માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાયદાકીય વિષયો પર શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક અભ્યાસના ભાગરૂપે કાયદાકીય જ્ઞાન, માનવ અધિકારો અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી તા. 17 ઑક્ટોબર, 2026ના રોજ બપોરે 12:00થી 1:00 વાગ્યા દરમિયાન યુનિવર્સિટીના હિન્દી ભવન ખાતે વિવિધ વિષયો પર આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિવિધ કાયદાકીય જોગવાઈઓ, માનવ અધિકારો, બંધારણીય મૂલ્યો અને ન્યાયના સિદ્ધાંતો અંગે ઊંડાણપૂર્વકની સમજ વિકસાવવાનો તથા તેમની રજૂઆત કૌશલ્ય અને વિશ્લેષણાત્મક અભિગમને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમનું સંચાલન કૃપા રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નીચે મુજબના વિષયો પર માહિતીસભર રજૂઆતો કરી હતી:
ભૂમિબેન સગપરિયા: ડિજિટલ યુગમાં માનવ અધિકારો: સ્વતંત્રતા, ગોપનીયતા અને સુરક્ષા, હિનલ સચાણિયા: બૌદ્ધિક સંપદા અધિકારો (Intellectual Property Rights),ભારતી સગઠિયા: રાજભાષા અધિનિયમ, 1963, પ્રિયંકા સગઠિયા: કલમની શક્તિ અને કાયદો, નરેશકુમાર સોમૈયા: નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ અધિનિયમ, 1985 (NDPS Act),જિતેન્દ્રભાઈ સાવલિયા: કુદરતી અધિકારો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો.
આ પ્રસંગે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન વતી અધ્યાપક ડૉ. સાગરભાઈ અમીપરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા વિવિધ કાયદાકીય વિષયોનો અભ્યાસ કરતી વખતે તેના સૈદ્ધાંતિક પાસાંની સાથે વ્યવહારુ મહત્ત્વને સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં કાયદાકીય જ્ઞાન, સંશોધનક્ષમતા, તાર્કિક વિચારશક્તિ, જાહેર રજૂઆત અને વિષયની ઊંડાણપૂર્વકની સમજ વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાની અધ્યક્ષતામાં તથા ભવનના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના સહયોગથી આવી શૈક્ષણિક અને સમાજોપયોગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ભવનનો સતત પ્રયાસ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની સાથે તેમનામાં માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા, કાયદાકીય જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.